Thursday 15 April 2021

ઝરણામાં ફૂટે પથ્થરની કૂંપળ જ્યારે....🌱🌊🌵

                કેટલીકવાર થોડુંક મજબૂત માનસિક મનોબળ મોટામાં મોટી મુસીબતોની સામે મજબૂતાઈથી ટક્કર ઝીલવા અકસીર વેક્સિન પુરવાર થાય છે.ને કેટલીકવાર આ માનસિક મનોબળ પોતીકી વ્યક્તિનાં તદ્દન વિરોધાભાસી અને આઘાતજનક વ્યવહાર અને વર્તનથી સાવ જમીનદોસ્ત થઈ જાય છે. આમાં ટકી રહેવા જે આપણે સૌ મથતા હોઈએ છે. તે મંથનમાંથી જીવનની એક નવી વ્યાખ્યા મળે છે કે દરેક મુશ્કેલીનો સામનો "સ્વ" બળે, આંતરિક તાકાતના પ્રકાશપુંજથી કરી શકાય છે. તેનાથી આપણે ઇમોશનલી, માનસિક રીતે સ્વાશ્રયી બનીએ છીએ. ને ત્યારે સમજાય છે કે લોખંડના સળીયાવાળી જેલ કરતાં આપણે આપણા લાગણીતંત્ર ની દોર કોઈનાં હાથમાં સોંપી દઈ જે માનસિક કારાવાસ ભોગવીએ છે તે વધારે પીડાદાયક અને સ્વને ક્યારેય આગળ ન આવવા દેતી જેલ છે.

             ક્યારેક આપણને અનુભવો જે થાય છે તેનું અર્થઘટન કરવામાં પણ આ ઈમોશનલ ડિપેન્ડન્સી આડે આવે છે. સતત મન અને મગજ વચ્ચે થતા સંઘર્ષને લઈને જીવવું ક્યારેય સરળ નથી હોતું. તે માનસિક રીતે આપણને નીચોવી નાખે છે. આ નિચોડ ક્યારેક સર્જનના સ્વરૂપે ચીતરાય પણ જાય પણ તેની પીડા ની મહેંદી રચવી ને હ્દયમાં કોતરણી કરી રંગવી ક્યારેય સહેલી નથી હોતી.

           અકળ લાગતી આ ઝાકળ જેવી દુનિયામાં વ્યસ્ત થઈ એ તો વ્યસ્તતા કદાચ આપણને આ બધાથી પર રાખી અથવા પડદો પાડી દઈ જીવી લેવા પ્લેટફોર્મ આપે છે પણ જ્યારે જાતને મળીએ એકલાં પડીએ ત્યારે બધા જ આગળ પડદા હટી જાય છે અને વાસ્તવિકતાનું વિકરાળ સ્વરૂપ સમક્ષ આવી ઊભું રહે છે.

ખડક બની જાય ઝરણું ક્યારેક...
         ઝરણામાં ફૂટે પથ્થર ની કૂંપળ જ્યારે..

તોતિંગ બની જાય એ કૂંપળ તો વહી ન શકાય ઝરણાથી...
          ખડકની ભીતર ખડક પાંગરે ને હૃદ- ખંડાય જ્યારે...

             કલમને ઉખાડી શકાય, વૃક્ષને ઉખાડવું સહેલું નથી. તેને કાપી શકાય, સળગાવી શકાય પણ  ઉખાડી નાખવું જરાય સહેલું નથી હોતું. બસ આમ જ લાગણીતંત્રના મુળિયા જેટલાં ઊંડા તેટલાં તેને ઉખાડવા અઘરા. તેને ઉખેડવા એટલે માહ્યલામાંથી જાતને ઉલેચવી એવો અનુભવ થાય એવું કહી શકાય. પણ કેટલીકવાર જાતને ઝંઝોળી ને નિંદર માંથી જગાડી વાસ્તવિકતાના દર્શન કરાવવા એટલા માટે જરૂરી હોય છે કે જીવન પૂરું થાય ત્યાં સુધી સાચું જીવવું હોય છે. સાચાં નો સ્વાદ ભલે કડવો હોય પણ તે પ્યોર હોય છે ને પાચ્ય પણ. તે માનસિક સ્વાસ્થ્ય બક્ષતો પણ.પણ તે માટે પોતાની જાતને સાચાના આ કડવા સ્વાદનો અનુભવ આપતા રહેવું ઘુંટડા થોડાં વાસ્તવિકતાના પીવડાવતા રહેવું ખૂબ જરૂરી છે આ તક આપણને તકલીફ મુસીબતો આપે છે અને તે હમણાં કોરોના સમયમાં આપણે લઈ રહ્યા છે.. ખોખલા દેખાડા ,પૈસા ,એવોર્ડો, ફરિયાદો ,રોદણાં ,ખાલીપો ની પાછળ બધાં પડ્યા હતાં ત્યારે હાલ જે વાસ્તવિક યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં બધું હોમાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય, માનવતા, સંબંધો ,પોતાનાપણું નાના નાના સાચા સુખની ક્ષણો, સતત આપણે જેની અવગણના કરી રહ્યાં હતાં બધાનું મૂલ્ય આપણને આ સમય શીખવી રહ્યો છે. કોઈ કોઈને ઇચ્છવા છતાં, ભાવ હોવા છતાં, મદદ કરી શકવા સક્ષમ નથી આપણે માત્ર કુદરતનાં કઠપૂતળી જ છીએ છતાં હમણાં સુધી અહમ, દંભના આચળા હેઠળ "અહમ્ બ્રહ્માસ્મિ" નાં શ્લોક ગોખી જિંદગી જીવતાં હતાં. તડકો ન હોય તો ઠંડકનો અહેસાસ ન થાય. તેવી જ રીતે આ કપરી પરિસ્થિતિનું વાવાઝોડું જ્યારે સમી જશે ત્યારે થોડુંક માનસિક તંત્રના આખા રીનોવેશન સાથે આપણે બહાર આવી શકીશું.

ત્યજી ન શક્યો ક્યારેય અહમ્ તું તારા ભ્રમનો......

          તું તારો  થઇ શકત તો ય ઘણું હતું...

વહી ન શક્યો તું વ્હેણની ધારે ધારે....

           તારી શક્યો હોત સ્વને બની તરોપુ પોતીકુ તોય ઘણું હતું.....

મિત્તલ પટેલ
" પરિભાષા"
 અમદાવાદ
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment