Thursday 8 April 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......

"બાળકોનાં મનોઆવરણ અને મનોવલણ પર "કોરોના" ને હાવી થતાં રોકો...🍀"

              સમાચારપત્રોમાં ટીવી પર સતત આવતાં કોરોના ન્યુઝ, મોબાઇલમાં કોરોના અપડેટની બાળકોની હાજરીમાં થતી સતત ચર્ચા, કુટુંબમાં નજીકનાં સંબંધીઓને કોરોનાના ઝપેટમાં આવવું, કેટલાંકનુ મૃત્યુ થવું આ બધાં વાતાવરણની અસર બાળકોનાં મનોઆવરણ પર ધીમે ધીમે થઈ રહી છે. દોઢ વર્ષથી શાળાથી દુર, મિત્રોથી દૂર, ઘરમાં ગોધાયેલું ચંચળ, ઉછળકૂદ કરતું એ વિહ્વળ મન હવે ધીમે ધીમે સ્ટ્રેસ અનુભવી રહ્યું છે. જેનાં વિશે તે શબ્દોમાં ક્યારેય અભિવ્યક્ત નહીં થઈ શકે. કેમકે હજી તે જીવનની નાની-મોટી આફતોનો સામનો કરતા શીખ્યો નથી. ઘડાયો નથી. ત્યાં તો અચાનક આવી પડેલા અકલ્પનીય અને અનિશ્ચિત સમયની આ મહામારી માટે માનસિક રીતે સતત ગુંગળાઈ રહ્યો છે. ગૂંચવાઈ રહ્યો છે. સતત ભાઈબંધોની ટોળકી સાથે ઉછળકૂદ કરતો ક્રિકેટ, બેડમિંટન જેવી રમતોમાં મશગુલ રહેતો સામાજિક પ્રસંગો તહેવારોમાં સોશિયલી કનેક્ટ રહેતો, સતત માણસોથી ઘેરાયેલો રહેતો બાળક આમ સાવ અચાનક લાંબા સમયથી એકલો અટૂલો પડી જાય ત્યારે જબરજસ્ત માનસિક મૂંઝવણ અનુભવે છે અને આ પરિસ્થિતિ એક ઊંડી છાપ તેનાં મનોઆવરણ પર છોડી જાય છે. કોરોના જો પુખ્ત વ્યક્તિને ડિપ્રેશનની સ્થિતિ તરફ ખેંચી જતી હોય તો બાળક તો હજી તે સ્ટ્રેસ સાથે લડતાં પણ શીખ્યો નથી અને આપણાં સૌની ફરજ છે કે તેમને આ સ્ટ્રેસથી દૂર રાખવા,કોરોનાની બાળકનાં મનોઆવરણ પર ઓછામાં ઓછી અસર થાય તે માટે પ્રયત્ન કરવાં.

            આ સમય બાળકોને આપણાં કવોલીટી timeની  વધું જરૂર રહે છે. નોકરી કરતાં માતા-પિતા ઘરે જાય ત્યારે બીજું કામ થોડીવાર સાઈડ પર મૂકી બાળકો સાથે વાતો કરી શકે. તેમની મુંઝવણ વિચારોને વાંચા મળે, ખુલી શકે તેવું વાતાવરણ આપી શકાય. શનિ રવિમાં તેમની સાથે બેસી તેમને ગમતું કોઈ સારું મૂવી જોઈ શકાય. તેમણે ઇન્ડોર ગેમ રમી શકે તેવી વસ્તુઓ, બાળકોના ચિત્રોવાળા નવાં પુસ્તકો ખરીદી કરી આપી શકાય, બે-ત્રણ મિત્રો ભેગા થઈને ગેમ રમી શકે, કોરિડોરમાં ક્રિકેટ, ટેનિસ જેવી રમતો રમી શકે તે માટે પ્રોત્સાહિત કરી શકાય. વિડીયોકોલ થી સમયાંતરે સગા સંબંધી જોડે વાત કરાવી શકાય. તેના જૂના મિત્રો સાથે ફોન પર વાત કરી કનેક્ટેડ રાખી શકાય.

           આ સમયમાં બાળકને મા-બાપની દાદાની હુંફ અને પ્રેમની સતત જરૂર પડે છે. બાળક સુનમુન થઈ જાય, સતત કોરોના વિશે વાત કરી ચિંતિત જણાય. નીરાશ થતું લાગે, ક્યારે કોરોના ની વાત કરી ડરતું અને રડી દેતું જણાય તો ખાસ ચેતી જજો. આ કોરોના શારીરિક તો નુકસાન કરે જ છે માનસિક વધુ નુકસાન કરે છે. તો બાળકને  વ્હાલથી હગ કરી 'બધું સારું થઈ જશે'  'આ સમય પણ જતો રહેશે' એવી શાબ્દિક હુંફ આપવાની અત્યંત જરૂર પડે છે.

           આ સમયમાં બાળકને નવી નવી પ્રવૃત્તિ તરફ ડાયવર્ટ કરી શકાય. ઓનલાઈન વિડીયો જોઈને નવી નવી લેંગ્વેજ ફ્રેન્ચ, જાપાનીઝ શીખવા પ્રેરિત કરી શકાય. નવાં નવાં કુંડા, છોડ લાવીને પ્લાન્ટેશન તરફ વાળી શકાય . ઘરમાં મોર્નિંગ થોડાં મ્યુઝિક સાથે થતી હોય તો સંગીત સ્ટ્રેસ રિલીઝ કરવા ઉત્તમ સાધન બની શકે છે. પિયાનો, ગિટાર , તબલાં જેવાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓનલાઈન શીખવા પ્રેરિત કરી શકાય. કોઈપણ રીતે બાળકને પ્રવૃત્તિશીલ ,સતત મગ્ન ,નવું નવું શીખવામાં, રમવામાં મશગુલ રાખી આ કોરોનાની મહામારી ને બાળકનાં મન પર હાવી થતાં રોકી શકાય.

મિત્તલ પટેલ 
"પરિભાષા "
અમદાવાદ
 mitalpatel56@gmail.com

No comments:

Post a Comment