Thursday 15 April 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં એપ્રિલ- 2021 અંકમાં મારો લેખ...

🌷  જવાબદારી--- એક નૈમિત્તિક કર્મ.....🎨🧬


         ઈશ્વરે આપણને સૌને એક નિમિત્ત બનાવીને પૃથ્વી પર જન્મ આપ્યો છે. તે નિમિત્તતા પુત્રી સ્વરૂપે હોય કે પત્ની સ્વરૂપે કે મિત્ર સ્વરૂપે અથવા વ્યવસાયિક કંઈપણ જેમ કે શિક્ષક તરીકે. તે માટેના નૈમિત્તિક કાર્યો આપણે કરવાં પડે છે. તેને આપણે ક્યારેય નકારી શકતાં નથી. જેને આપણે દુનિયાની ભાષામાં "જવાબદારી" કહીએ છીએ. એક્ચ્યુઅલી તે આપણાં નૈમિત્તિક કર્મો જ છે. પ્રશ્ન ત્યાંથી શરૂ થાય છે જ્યારે "મે આના માટે આટલું કર્યું"  , "મેં બાળકો માટે, પતિ માટે ,મિત્ર માટે આટલું કર્યું" એવા ભાવ મનમાં પાંગરે છે. અરે તમે જે કરી રહ્યા છો તેનાં માટે તો તમે એક નિમિત્ત માત્ર છો. તમે ન હોત તો બીજું કોઈ હોત. તેમાં તમે કોઈ ઉપકાર નથી કર્યો. પણ અહીં સંબંધમાં જ્યારે "મેં કર્યું" નો ભાવ આવે છે. "હું "ત્યાં વજનદાર બની જાય છે અને ત્યાંથી તણાવ ઉત્પન્ન થાય છે. દરેક સંબંધમાં આપણે ગણિત કરવા માંડીએ છે. આના માટે મેં આટલું કર્યું એટલે તેને આટલું તો કરવું જ પડશે. ન કરે તો સબંધનો અર્થ નથી. સામેવાળી વ્યક્તિ સ્વાર્થી છે એવું વિચારવા માંડીએ છે. શું એ યોગ્ય છે? શું આપણે આપણી ફરજ માં આવતાં દરેક નૈમિત્તિક કાર્યો કરીને યજ્ઞમાં આહુતી આપીએ તેમ "મેં કહ્યું" નાં ભાવને સ્વાહા ન કરી શકીએ? કોઈ પણ કાર્ય કરતી વખતે, કોઈનાં પણ માટે કાર્ય કરતી વખતે "હું માત્ર નિમિત્ત છું" એવો ભાવ રાખી શકીએ તો કોઈનાથી કોઈ ફરિયાદ, અપેક્ષા કંઈ જ ન રહે.

        સૌથી મોટી જવાબદારી આપણી પોતાનાં માટેની છે. પોતે સાચાં રસ્તા પર છે. પોતાની ફરજ બરાબર નિભાવીએ છે કે કેમ! મારાં થકી કોઈ સાચો વ્યક્તિ દુઃખી તો નથી થઈ રહ્યું ને! હું મારાં નૈમિત્તિક કર્મો પુરી પુરી નિષ્ઠાથી નિભાવી રહ્યો છું  ખરો!! તેની સમયાંતરે ચકાસણી સ્વમૂલ્યાંકન કરતાં રહેવું પડે. જિંદગી બહુ ઝડપથી પસાર થઈ રહી હોય ત્યારે એ દોડમાં દોડતાં દોડતાં થોડાં થોડાં અંતર પાછળ વળીને આપણે પસંદ કરેલ રસ્તો સાચો તો છે ને! તે ચકાસતા રહેવું ખૂબ જરૂરી છે

   નિમિત્ત બનવું એ વિકલ્પ નથી એક સંદર્ભ છે...
                     તું તારી નૈતિકતા ખુદની જોડે ચકાસી તો જો...

"હું" ભાવ ને બાદ કરી...
             સગવડિયા ધર્મને તું થોડો ફંફોસી તો જો.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ


No comments:

Post a Comment