Wednesday 31 March 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નાં મેગેઝીન "શિક્ષક જ્યોત"ના એપ્રિલ-2021 અંકમાં મારો લેખ ......📡🛰️


દરેક શિક્ષક જો શાળામાં માત્ર બાળક માટે જ વિચારી, બાળકોને જ પ્રાયોરીટી આપીને ભણાવે તો શિક્ષણ એક ઉચ્ચતમ સ્તર સુધી જઈ શકે...🔬🌷🌱



"બાળકેન્દ્રી અભિગમ"
        એ કોઈ શબ્દ નથી..
શિક્ષણની ધરોહર છે...અને
       શિક્ષકત્વનો પાયો છે...


       અમુક ચોક્કસ ફાઈલો અને રજીસ્ટર કમ્પ્લીટ કરી દીધા એટલે શિક્ષક તરીકેનું કાર્ય 100% પરફેક્ટ પૂરું થઈ ગયું એવું માની લે તે વિચાર એક શિક્ષક તરીકે કેટલાં અંશે યોગ્ય છે? ડોક્યુમેન્ટેશન જરૂરી છે પણ બાળકોને ભણાવ્યા પછી. બાળકોને કેટલું આવડે છે? કેટલું તેઓ ગ્રહણ કરી શક્યા છે? નથી ગ્રહણ કરી શક્યા તો ક્યાં કચાશ છે તે શોધી તેમને બીજી પદ્ધતિથી શીખવવાનો પ્રયત્ન કરી શકાય. બાળક સાથેની અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ઉચ્ચતમ લેવલ સુધી લઈ જવા પુરાં દિલથી પ્રયત્ન કરવામાં આવે, 'મારે મારાં બાળકોને વાંચન લેખન ગણનમાં અને વિષયવસ્તુમાં સરસ રીતે તૈયાર કરવાં છે' એવાં એક ધ્યેય સાથે અને કામ કરવાની નિયત રાખીને સતત પ્રયત્ન કરવામાં આવે તો જ શિક્ષક તરીકેનું આપણું મુખ્ય કાર્ય પુર્ણ થયું ગણાય.


        આપણે તો સો ટકા સિલેબસ વર્ગમાં બોલીને પૂરો કરી દીધો. દાખલા ની રીત એક વખત શીખવી દીધી. વર્ગમાં બાળકોને સમજાયું કે નહીં આવડ્યું કે નહીં એ હવે મારે નહીં જોવાનું. આપણે આપણી ફરજ પૂરી કરી દીધી. શું એ એક સાચા શિક્ષકનો વિચાર હોઈ શકે? કોઈ શીખવવામાં ધીમો હોય તો તેને પણ ભણવાનો હક છે. તેને ફરી શીખવવાનો પ્રયત્ન કરી શકાય. નહીંતર આવા 50 ટકા બાળકો નિષ્ક્રિય રહી જશે કાયમ માટે. શું આટલી પણ દરકાર લેવાની ફરજ શિક્ષકની નથી? માત્ર ક્લેરીકલ કામ કરીને ફરજ પૂરી થઈ જતી હોત તો બાળકો વગર પણ થઈ શકે. કોઈ મૂલ્યાંકન માત્ર કાગળિયા કામથી પૂરું થતું નથી. આ પત્ર વગરના ટપાલ કવર જેવું છે. જેનું મૂલ્ય કંઈ નથી. 

         દરેક શિક્ષક સક્ષમ છે. એટલે જ ઈશ્વરે આપણને સૌને શિક્ષક બનાવ્યા છે ‌. માત્ર બાળકોને નજર સમક્ષ રાખી તેની નિર્દોષ આંખોમાં ક્યારેક જોઈને ફીલ કરી જોજો કે તેઓ આપણને ઈશ્વર થી જરાય કમ નથી સમજતા. તે માતા પિતા જેઓ પોતે ઓછું ભણ્યા છે પણ તેમનું બાળક આપણી પાસેથી વાંચતા લખતા ગણતાં શીખશે તો તેમનું જીવન પોતાનાં કરતાં બહેતર બનશે. તેમનાં બાળકોને તેમની જેમ મજૂરીએ નહીં જવું પડે, હાડમારી નહિ વેઠવી પડે, બે ટંકનું પૂરતું ભોજન મળશે, ફાટેલાં કપડા નહિ પહેરવા પડે, એટલી અપેક્ષા શિક્ષકો પાસેથી હોય છે. તો જરા વિચારો ઈશ્વરે કેટલા ઉચ્ચ અને સારા કાર્ય માટે આપણને નિમિત બનાવ્યા છે. પસંદ કર્યા છે . ખાલી એ ઈશ્વર પ્રત્યે અહોભાવ પણ કેળવાઈ તોય ચોક્કસથી બાળકોને ભણાવવામાં આપણને અમૂલ્ય આનંદ અને આત્મસંતોષ સતત આવતો થશે.


          શાળામાં ૧૧થી ૫ હાજર રહી બાળકો સમક્ષ બોલીને, સિલેબસ પૂરો કરી દીધો તે પુસ્તક કેન્દ્રી, શિક્ષક કેન્દ્રી અને કાગળિયા કેન્દ્રી શિક્ષણ થયું ગણાય. દરેક બાળકને શીખવાની ક્ષમતા અલગ અલગ છે. તેઓ તેમની કક્ષાએથી ઉપર આવ્યા કે નહીં, સિલેબસ ના એકમોમાનુ જ્ઞાન શું તે ગ્રહણ કરી શક્યા છે? નહીં તો ક્યાં કચાશ રહી તે શોધી તેને દૂર કરી શકીશું ત્યારે સાચું શિક્ષણ થયું ગણાય. આપણે ભણાવીએ છે તે બાળકોને આવડે છે કે ખરું? કેટલું આવે છે? અને કેટલાં બાળકો ને આવડે છે ?તેની દરકાર આપણે ‌જ કરવી પડશે.



        શિક્ષક નો સાચો સિલેબસ તો બાળકને ચોપડામાં જ્ઞાન કેટલું આત્મસાત થયું, કેટલું શીખ્યો તે હોય.. બાળક વિચારતો થયો અને પ્રશ્ન પૂછતો થયો તે હોય... બાળક આત્મવિશ્ર્વાસુ બન્યો તેનામાં રહેલી અનન્ય ક્ષમતા તમે બહાર લાવી શક્યા તે હોય.પણ આવું ક્યારેય શક્ય બને જ્યારે શિક્ષકની દ્રષ્ટિમાં માત્ર બાળકો જ સૌથી વધુ મહત્વના હોય. બાળકનો વિકાસ જ તેમનાં અધ્યાપનનું અંતિમ ધ્યેય હોય. બાહ્ય દેખાડો ,ફાઈલ કામ ગૌણ હોય.

બાળક નામનું ફુલ ખીલે, જો માળી બને શિક્ષક..
બાળકમાં ઉત્તમ ગુણો પોષાય, જો પોષણ આપે શિક્ષક

બાળકમાં ઉત્તમ નાગરિક ના બીજ રોપાય, જો પોતે શ્રેષ્ઠ નાગરિક બની વર્તે શિક્ષક

બાળક તકલીફમાય ભણી ભવિષ્ય ઉજ્જવળ કરી શકે, જો સાચો માર્ગદર્શક બને શિક્ષક

બાળક ઉત્તમ માણસ બને, જો માણસાઈના ગુણો  પોતે કેળવે શિક્ષક...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment